સૌ પ્રથમ એક તવીમાં દૂધને ઉકાળવા મૂકવું, અને થોડું ગરમ થયા પછી તેમાં દહીં ઉમેરી દેવું અને વારેવારે દૂધને હલાવતા રહેવું.
તે દરમ્યાન બાવળીયા ગુંદરના ગાંગડાને ભૂકો કરીને 1 ½ ટેબલસ્પૂન ઘીમાં તળી લેવો અને ધીમા તાપે જ તળવાનો છે એકદમ ફૂલી જવો જોઈએ અને લાઇટ બ્રાઉન કલર આવવો જોઈએ.
દૂધમાં દહીં ઉમેર્યા પછી તે ફાટવા લાગ્યું હશે તે દરમ્યાન તેમાં ડાયરેક્ટ આ ગુંદરને નાંખી દેવો તેનો ભૂકો કરવાની જરૂર નથી કારણ કે તે દૂધમાં આપો આપ ઓગળી જશે.
હવે 1 ½ ટેબલસ્પૂન ઘીમાં ઘઉંના કરકરા લોટને ધીમા તાપે શેકી લેવો.
તે દરમ્યાન દૂધમાં મલાઈ ઉમેરી દેવી, લોટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવો અને શેકાય પછી તેને દૂધમાં ઉમેરી દેવું.
દૂધનું ટેક્સ્ચર પનીર જેવું થયું હશે અને તેને વારેવારે હલાવતા રહેવું જેથી તે તળિયે ચોંટે નહીં.
હવે ખાંડને વગર પાણીએ ઓગાળવાની છે, ખાંડ કેરેમલાઈઝ થઈ જાય પછી તેને દૂધમાં ઉમેરીને હલાવતા જવું.
જેમ જેમ દૂધ ગરમ થશે તેમ તેમ તેમાં ખાંડ ભળી જશે, હવે દૂધમાં ૨-૩ તાંતણા કેસર નાંખવું.
થોડું ઘટ્ટ થાય પછી તેમાં ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર અને જાવંત્રી પાઉડર ભેગા કરીને ઉમેરી દેવા.
તૈયાર થયેલ મિશ્રણને હલાવતા રહેવું અને તે ઘટ્ટ માવા જેવું થાય ત્યારે થોડો ગેસ વધારીને તેને સતત હલાવતા રહેવું, અને તેનો ગોળો બને ત્યાં સુધી ગરમ થવા દેવું.
હવે ગેસ બંધ કરીને તેને હલાવતા રહેવું જેથી તેમાંથી વરાળ નીકળી જાય અને પાણી છૂટે નહીં.
ઠંડું પડ્યા પછી તેને એક થાળીમાં પાથરી દેવું અને પેંડા આકારના ગોળા વાળીને તૈયાર કરી તેના ઉપર પિસ્તા-બદામની સ્લાઇસ મૂકવી.