Why needs to do Tilak-Chandlo?

In Gujarati published at April 5, 2022

Why needs to do Tilak-Chandlo?

tilak-chandalo
Published
April 5, 2022
Language
Gujarati
Read Time
5 mins

જેમ કાગળની કિંમત સરખી જ હોય છે. પણ જે કાગળ પર સરકારશ્રીના ચલણી નાણાની છાપ અંકિત કરવામાં આવે તો તે માત્ર કાગળ ન રહેતા નાણું બને. તેમાં પણ જે કાગળપર ભગવાનની મૂર્તિ છપાય તેને તો દુનિયા આખી વંદન કરે. તેમ જેના કપાળમાં તિલક-ચાંદલાની છાપ હોય તે સર્વને માટે વંદનીય બની જાય છે. આપણા આર્ષ દૃષ્ટા ઋષિમુનીઓએ અનેક વિધિ-નિષેધો પ્રવર્તાવ્યા છે. આ સદાચારોનું પાલન કરવાથી સમાજમાં પ્રતિષ્ઠા, શરીરને સ્વાસ્થ્ય અને આત્માની ઉન્નતિની સાથે પરમાનંદની પ્રાપ્તિ થાય છે. 

 

હવે તો સાયન્સ પણ તે વાતને સ્વીકારે છે. આપણી દરેક ધાર્મિક પરંપરામાં કાંઈકને કાંઈક રહસ્ય છૂપાયેલા હોય છે. તે રહસ્યને જાણીને તેને પાળીએ તો પાળવામાં ઉત્સાહ રહે અને ફાયદો થાય. 

તિલક-ચાંદલો એટલે શું ?

તિલક-ચાંદલો એ ભગવાનના ચરણનું પ્રતિક છે. તિલક-ચાંદલો એટલે ભગવાનને સમર્પિત થયાની નિશાની. આપણે ભગનવાનને શરણે થયા છીએ તેની સતત સ્મૃતિ એટલે તિલક ચાંદલો.

તિલક-ચાંદલો જ શા માટે ?

તિલક-ચાંદલો દાસપણાનું ચિન્હ છે. તિલક તે ભગવાનના ચરણની વિભાવના છે અને ચાંદલો તે લક્ષ્મીજીની એટલે કે ભક્તની વિભાવના છે. એટલે તિલક-ચાંદલો એ સેવા-ભક્તિ અને પતિવ્રતાપણાની વિભાવનાની સ્મૃતિ કરાવનાર છે. વળી, તિલક-ચાંદલાથી આપણને ભક્તપણાની સ્મૃતિ થાય છે. તેનાથી આપણને આપણા લક્ષ્યની પણ યાદી મળે છે.

તિલક-ચાંદલો કપાળ, હૃદય અને બન્ને ભુજા પર શા-માટે ?

દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ તેના વિચારોમાં સમાયેલું છે. વિચારોનો સીધો સંબંધ બુદ્ધિ અને હૃદય સાથે છે. યૌગીક પ્રક્રીયા પ્રમાણે આપણા શરીરમાં કપાળમાં આજ્ઞાચક્ર અને હૃદયમાં સ્વાધિષ્ઠાન ચક્ર આવેલા છે. તે બન્ને જગ્યાએ તિલકરૂપી સ્પર્શથી તે ચક્રો સક્રિય થાય છે. અને તેમાં ભગવાનનો વાસ થાય છે. તેથી વિચારો સારા આવે છે. 

 

તેવી જ રીતે બન્ને ભુજાઓનું છે. ભુજા એ શક્તિનું પ્રતિક છે. ભુજામાં ભગવાન વસે તો સત્કાર્યો થાય અને ભગવદ્ બળનું અનુસંધાન રહે, તે માટે શ્રીહરિએ બન્ને ભુજાઓ ઉપર તિલક-ચાંદલો કરવાનું કહ્યું છે. 

સંપ્રદાયમાં તિલક ચાંદલો ક્યારથી શરૂ થયો ?

સંવત્ ૧૮૭૭માં ભગવાન સ્વામિનારાયણે પંચાળામાં ભવ્ય રાસોત્સવ તથા રંગોત્સવ કર્યા. આ પ્રસંગે શ્રીહરિએ સંતોને ત્યાંની માટીની ગોટીઓ બનાવી તિલક કરવા આપી. અને શ્રીહરિએ સદ્.શ્રીગુણાતીતાનંદ સ્વામીના લલાટમાં સુંદર તિલક અને ચાંદલો કરી બતાવ્યો અને કહ્યું અમારા આશ્રિતોએ હવેથી આ રીતે તિલક-ચાંદલો કરવો. ત્યારથી આપણા સંપ્રદાયમાં તિલક-ચાંદલાની પ્રથા શરૂ થઈ જે આજ દિનપર્યંત ચાલી આવે છે. અને આ તિલક-ચાંદલો કરવાથી અનેકના દુ:ખ દૂર થયા હોય એવા પ્રત્યક્ષ પૂરાવા છે. તો આવો આપણે પણ ગૌરવથી ભગવદ્ આજ્ઞા પાળી સારા સત્સંગી તરીકેનું જીવન જીવી ભગવાનનો રાજીપો મેળવીએ.