એકવાર એક પંડિતજીએ એક દુકાનદારને પાંચસો રૂપિયા વ્યાજે આપ્યા. તેણે વિચાર્યું કે મારી દીકરીના લગ્ન થશે ત્યારે હું આ પૈસા લઈ લઈશ. થોડા વર્ષો પછી જ્યારે દીકરી પરણાવવા લાયક થઈ, પંડિતજી પેલા દુકાનદાર પાસે ગયા. પરંતુ દુકાનદારે ના પાડી અને કહ્યું- તમે મને પૈસા ક્યારે આપ્યા હતા ? ત્યારે પંડિતજીએ લખાણ બતાવ્યું. તો કહે તે હિસાબ તો પતી ગયો છે. તે દુકાનદારના આ કૃત્યથી પંડિતજી ખૂબ જ નારાજ થઈ ગયા અને ભારે ચિંતામાં ડૂબી ગયા. પછી થોડા દિવસો બાદ પંડિતજીને યાદ આવ્યું કે, લાવને આ વિશે રાજાને ફરિયાદ કરું . જેથી તેઓ કોઈ નિર્ણય લેશે અને મારા પૈસા મને પાછા મળી જશે. પછી પંડિતજી રાજા પાસે પહોંચ્યા અને પોતાની ફરિયાદ કહી સંભળાવી. રાજાએ કહ્યું - કાલે અમારી સવારી નીકળશે ત્યારે તમે પેલા દુકાનદારની દુકાન પાસે જ ઊભા રહેજો.
બીજે દિવસે રાજાની સવારી નીકળી. નગરની બજારોમાં લોકોએ રાજાને ફૂલોના હાર પહેરાવી સ્વાગત પૂજન કર્યું. પેલી દુકાનની બાજુમાં ઊભેલા લોકોએ પણ રાજાનું સ્વાગત-પૂજન કર્યું. અને કોઈએ તો આરતી પણ કરી. એ જ દુકાન પાસે પેલા પંડિતજી ઊભા હતા. રાજાએ જેવા પંડિતજીને જોયા કે તરત જ તેમણે પંડિતજીને વિનમ્ર ભાવે પ્રણામ કર્યા અને કહ્યું - ‘ગુરુજી ! તમે અહીં કેવી રીતે ? તમે તો અમારા ગુરુ છો. આવો, આ રથમાં બેસો.’ પેલો દુકાનદાર આ બધું જોઈ રહ્યો હતો. તેણે રાજાને હાર પહેરાવ્યો અને આરતી પણ કરી. ત્યાર પછી રાજાની સવારી આગળ વધી. થોડે દૂર ચાલ્યા પછી રાજાએ પંડિતજીને ગાડીમાંથી નીચે ઉતાર્યા અને કહ્યું –‘પંડિતજી ! અમે તમારું કામ કરી દીધું છે. હવે બાકીનું કામ ભગવાન કરશે.’
બીજી તરફ દુકાનદાર આ બધું જોઈને આંચકો ખાઈ ગયો અને ડરી ગયો. તે વિચારે ચડ્યો કે, પંડિતજીને તો રાજા સાથે ઘણો સારો સંબંધ છે. ક્યાંક તેઓ રાજાને ફરિયાદ કરીને મને ફસાવી ન દે ! દુકાનદારે તરત જ તેના એકાઉન્ટન્ટને પંડિતજીને શોધીને લાવવા કહ. પંડિતજી ઝાડ નીચે બેસીને ભગવાનનું ભજન-સ્મરણ કરી રહ્યા હતા. મુનીમજી ત્યાં ગયા અને પંડિતજીને ખૂબ જ આદર પૂર્વક પોતાની સાથે લઈ આવ્યા. દુકાનદારે પંડિતજીને આવતાં જ પ્રણામ કર્યા અને કહ્યું – પંડિતજી ! મેં સખત મહેનત કરી અને જૂના હિસાબ જોયા, તો જાણવા મળ્યું કે તમારા ખાતામાં પાંચસો રૂપિયા જમા છે. અને છેલ્લા દસ વર્ષમાં વ્યાજના બાર હજાર રૂપિયા પણ થઈ ગયા છે. પંડિતજી ! તમારી દીકરી એ મારે પણ દીકરી જેવી જ કહેવાય. તેથી તમે એક હજાર રૂપિયા મારા તરફથી લઈ જાઓ. અને દીકરીના લગ્નમાં ઉપયોગમાં લેજો.’ આ રીતે દુકાનદારે પંડિતજીને તેર હજાર પાંચસો રૂપિયા આપીને ખૂબ પ્રેમથી વિદાય આપી.
વિચારવા જેવી આ ઘટના છે કે, જ્યારે માત્ર એક રાજા સાથે સંબંધ બાંધવાથી પણ જો આપણી મુશ્કેલીઓ દૂર થઈ જતી હોય, તો આ જગતના રાજા એટલે કે ભગવાન જે અનંતકોટી બ્રહ્માંડોના માલિક છે. તેની સાથે જો આપણે સંબંધ જોડીએ તો તેનાથી આપણને હંમેશને માટે કોઈપણ પ્રકારની સમસ્યા કે મુશ્કેલી ન થાય અને મહા આનંદથી ભરાઈ જઈએ; તેથી હંમેશાં ભગવાન સાથે સંબંધબાંધી રાખવો એટલે કે તેમની સાથે જોડાયેલા રહેવું, તેમનો વિશ્વાસ અતિ દૃઢ રાખવો; હંમેશાં આપણી સાથે રહેલા,આપણું સદા સર્વ પ્રકારે ધ્યાન રાખનારા, આપણા આત્માના પણ આત્મા એવા પરબ્રહ્મ પરમાત્માના સંબંધની અખંડસ્મૃતિ રાખી તેમનો આભાર માનતા રહેવું. તેઓ જ આપણા કાયમી આનંદનું પરમ સાધન અને સાધ્ય છે.