The distinction between praise and rajipo

praise-vs-rajipo
Published
March 1, 2022
Language
Gujarati
Read Time
10 mins

વહાલા ભક્તો ! આપણે એ વાત સારી રીતે સમજીએ છીએ કે પુરુષોત્તમનારાયણની પ્રાપ્તિ અન્ય કોઈ સાધનોથી કોઈ કાળે થઈ શકતી જ નથી. તેમની પ્રાપ્તિ તો માત્ર ને માત્ર તેમની પોતાની કૃપાથી જ થાય છે અને તે પૂર્ણ પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમના પ્યારા સંતો-ભક્તોની કૃપા પ્રાપ્ત કરવી અનિવાર્ય છે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમનો રાજીપો મેળવવો અનિવાર્ય છે.

 

આ દૃષ્ટિએ શ્રીહરિના પ્યારા સંતો-ભક્તોનો રાજીપો એ આપણા આધ્યાત્મિક માર્ગની સૌથી મોટી મૂડી છે. એક દૃષ્ટિએ કહીએ તો એ જ આપણા આધ્યાત્મિક માર્ગનું પેટ્રોલ છે, એ જ આપણા આધ્યાત્મિક જીવનનું ઓક્સિજન છે. તેથી આપણે સહુ વધુ ને વધુ સંતો-ભક્તોનો રાજીપો મેળવવા માટે સદા લાલાયિત હોઈએ છીએ અને તેને માટે સેવા-ભજન આદિક કરતા હોઈએ છીએ; પરંતુ ખરેખર સાચા અર્થમાં આપણને રાજીપો જ મળી રહ્યો છે અથવા આપણે રાજીપો જ સ્વીકારી રહ્યા છીએ કે રાજીપાના નિમિત્તે કાંઈક બીજું પણ  પણ મેળવીને તેનાથી જ સંતુષ્ટ થઈ જઈએ છીએ ? આ એક મોટો પ્રશ્ન છે.

 

કેમ જે, રાજીપો અને વખાણ બંને એકસાથે જ આવતાં હોય છે. તે બેમાંથી આપણે શું સ્વીકારીએ છીએ ? તે અગત્યનું છે. તે બંનેમાં ખૂબ પાતળી ભેદરેખા હોય છે; પરંતુ વહાલા ગુરુજી અને પૂ.દયાળુ સ્વામીએ કથામાં સમજાવેલ અમુક સંકેતોને આધારે તે ભેદરેખા સમજવાનો થોડો પ્રયાસ કરીએ.

 

જો વખાણ સ્વીકારાતા હોય તો....

- સદ્વિચાર ઘટતા જાય.
- બીજાથી પ્રભાવિત થવાનું ઘટી જાય.
- બીજાની ગૌણતા થાય.
- ફુલાવાનું મન થાય, હાલ-ચાલ ઘમંડવાળી થતી જાય.
- રાજીપો આદિ પોતાની લાયકાતનું ફળ મનાય.
- રાજીપો આદિ સાંભળીને સ્વશ્રેષ્ઠતાનું ભાન થાય.
- માનની અસરમાં આવી જવાય અને અપમાન સહન કરવું અઘરું પડે. 
- બાહ્યવૃત્તિ વધે.
- ભજન, ધર્મ-નિયમ આદિ પ્રથા હોવાથી પરાણે કરવું પડે.
- બીજાના દોષ આદિક નજરમાં આવવા લાગે.
- નિંદા-ટીકાની ઝાઝી અસર થાય.
- મનધાર્યું થવાનું વધી જાય.
- વખાણ-ચાહના આદિથી જ સંતોષ મનાઈ જાય.
- પ્રાપ્ત સદ્ણ વગેરેથી તૃપ્ત રહેવાય.
- રાજીપા સ્વરૂપે વખાણાદિક ન મળે તો ખિન્ન થઈ જવાય.

 

જો રાજીપો જ સ્વીકારાતો હોય તો...

- સદ્વિચારો વધી જાય, શુભ સંકલ્પોમાં ઉમેરો થાય.
- કૃતજ્ઞતાનો ભાવ ઊભો થાય.
- રાજીપો મળવામાં જે કોઈ નિમિત્ત બન્યા હોય તેનો આભાર મનાય.
- વધુ નિર્માની થવાય.
- પોતાની લાયકાત કરતાં મોટાએ વધુ રાજીપો આપ્યો છે એમ મનાય અને હજુ વધુ તેમના ગમતામાં રહેવાનો ભાવ થાય.
- હૃદય પીગળે અને વધુ ગદગદિત  થવાય.
- માન-અપમાનને સહજ લઈ શકાય, માનની અસરથી નિર્લેપ રહેવાય અને અપમાન સહન કરવાની ક્ષમતા વધે.
- અંતરવૃત્તિ વધે.
- ધર્મ-જ્ઞાનાદિકમાં અંત:કરણની માંગ રહ્યા કરે, ભજનની ભૂખ રહે, પરાણે ન કરવું પડે.
- બધાના ગુણ આવે, સારા લાગે, દિવ્ય મુક્ત લાગે.
- નિંદા-ટીકાની અસરને સહજ કાપી શકાય.
- દરેક સંજોગોમાં મનગમતું છોડી શકાય.
- ભગવાન તરફ જવાના ભાવ વધવા લાગે, તેની ઉતાવળ વધી જાય. 
- વધારે સદ્દગુણો લેવાના માર્ગે લઈ જાય.
- બાહ્ય સ્વરૂપે રાજીપો મળે કે ન મળે પરંતુ સંતો-ભક્તોને સુખરૂપ થયાનો જ આનંદ રહે.

 

વહાલા ભક્તો ! રાજીપો અને વખાણ બંને એક સિક્કાની બે બાજુ છે. તે બંને એકસાથે જ પ્રાપ્ત થતાં હોય છે; પરંતુ આપણે બેમાંથી જેને સ્વીકારીએ તે આપણને ભગવદ્પ્રાપ્તિના માર્ગે પ્રગતિ તરફ કે અધોગતિ તરફ લઈ જતા હોય છે. આપણેરાજીપો સ્વીકારીએ છીએ કે વખાણ ! તે પ્રાય: બાહ્ય પ્રકલ્પોને આધારે નક્કી કરી શકાતું નથી. પરંતુ આપણા અંત:કરણમાં ચાલતા ઉપર મુજબના પ્રવાહોને આધારે આપણે વખાણ કે રાજીપો તે બેમાંથી શું સ્વીકારીએ છીએ ? તે ખ્યાલ આવે છે.

 

જો આપણે રાજીપાને બદલે વખાણ સ્વીકારતા હોઈએ તો ભગવાનની પ્રાપ્તિ માટે કરેલ સર્વે મહેનત માયા માટે થઈ જાય છે અને જો રાજીપો જ સ્વીકારતા હોઈએ તો ભગવદ્પ્રાપ્તિની સ્પીડ ખૂબ વધી જાય છે. માટે જો જલ્દીથી ભગવાનને જ પામવાનો એક ઇશક હોય તો અંત:કરણમાં ચાલતા પ્રવાહોથી સાવધ રહી સંતો-ભક્તોની મદદ લઈ તેમની કૃપાથી રાજીપાના માર્ગે આગળ વધવાનો વિશેષ પ્રયાસ કરીએ. 

Coming Hindu Festival
📆  23-Sep-2023, Saturday
🔸
ધરો આઠમ
🔸
રાધાષ્ટમી બપોરે ૧૨-૦૦ કલાકે પૂજન-આરતી
📆  24-Sep-2023, Sunday
🔸
ભાગવત સપ્તાહ પ્રારંભ
🔸
શ્રી હરિ જયંતી
📆  26-Sep-2023, Tuesday
🔸
જળજીલણી એકાદશી
🔸
દુગ્ધ વ્રતારંભ
🔸
શ્રી ગણપતિનો વરઘોડો
🔸
વડતાલધામમાં સમૈયો
🔸
વામન જ્યંતીની આરતી મધ્યાહ્ને કરવી
📆  28-Sep-2023, Thursday
🔸
શ્રી ગણેશ વિસર્જન
📆  29-Sep-2023, Friday
🔸
એકમનું શ્રાદ્ધ.
🔸
ભાગવત સપ્તાહ સમાપ્ત
🔸
મુકુટોત્સવ પૂનમ
📆  30-Sep-2023, Saturday
🔸
બીજનું શ્રાદ્ધ