ભક્તચિંતામણિ ગ્રંથના લેખક વૈરાગ્યમૂર્તિ સદ્. શ્રીનિષ્કુળાનંદ સ્વામી છે.
‘ભક્તચિંતામણિ’ ગ્રંથના મુખ્ય નાયક સર્વાવતારી શ્રીસ્વામિનારાયણ ભગવાન છે.
સદ્.શ્રીનિષ્કુળાનંદ સ્વામીએ લખેલા તમામ ગ્રંથોમાં મોટામાં મોટો પ્રમાણભૂત ગણાતો ગ્રંથ એટલે ‘ભક્તચિંતામણિ’.
સં.૧૮૮૪ આસો સુદ-૧૦, શનિવાર ગઢપુરધામમાં દાદા ખાચરના દરબારમાં ઉગમણા બારણા ઓરડાની ઓસરીએ પલંગ ઉપર બિરાજમાન શ્રીહરિએ સભામાં નિષ્કુળાનંદ સ્વામીનેબોલાવી ભક્તચિંતામણિ ગ્રંથ રચવાની આજ્ઞા કરી.પછી નિષ્કુળાનંદ સ્વામીએ ગઢપુર સ્થિત
લક્ષ્મીવાડીમાં ભક્તચિંતામણિ ગ્રંથ રચવાનો આરંભ કર્યો.
આ ગ્રંથમાં લગભગ ૧૫૮ પ્રકરણ શ્રીહરિની હયાતિમાં રચાયાં છે અને તેને સ્વયં શ્રીહરિએ પણ વાંચેલાં છે.
આ ગ્રંથમાં સદ્.શ્રીગોપાળાનંદ સ્વામીની ગરિમા ગાતું ૧૪૨મું પ્રકરણ સ્વયં શ્રીહરિએ સ્વામીને પ્રેરણા કરીને લખાવેલું છેઅનેઆ પ્રકરણનો જે પાઠ કરેતેના મનોરથ સિદ્ધ થાય એવું દૈવત મૂકેલું છે.
સંવત અઢાર વર્ષ સત્યાશી રે,
આસો સુદિ સુંદર તેરશી રે;
ગુરુવારે કથા પૂરી કીધી રે,
હરિભક્તને છે સુખનિધિ રે. (પ્ર. ૧૬૪/૫૨)
સં.૧૮૮૭ આસો સુદ-૧૩, ગુરુવારે ગઢપુરધામમાં નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથ પૂર્ણ કર્યો છે.
આ ગ્રંથમાં કુલ ૧૬૪ પ્રકરણ છે. તેમાં કુલ ૮૫૨૭ દોહા-ચોપાઈ આદિક છે.
૧ થી ૧૦૦ પ્રકરણમાં શ્રીહરિનાં જન્મથી આરંભીને સર્વે ચરિત્રોનું વિસ્તારથી વર્ણન છે.
૧૦૧ થી ૧૦૫ પ્રકરણમાં શ્રીસ્વામિનારાયણ ભગવાનનો મહિમા અને સર્વોપરીપણું ગાયું છે.
૧૦૬ થી ૧૧૧ પ્રકરણમાં પંચવર્તમાનની વિસ્તારીને વાત કરી છે.
૧૧૨ થી ૧૨૭ પ્રકરણમાં ૨૦ પ્રાંતના પ્રાય: ૮૦૦ ઉપરાંત સ્થાનમાં રહેતા, ૭૦ જ્ઞાતિના, ૪૨૨૨ જેટલાં મુખ્ય સત્સંગી બાઈ-ભાઈની નામાવલી આલેખી છે.
જેમાં ૧૭૬ પાર્ષદો તથા કર્મયોગી, ૬૭૨ સોની, ૩૨૨ વાણિયા, ૩૩૨ વિપ્ર, ૩૨૮ ક્ષત્રિય, ૪૩૨ પટેલ, ૫૫૨ કુંભાર તથા કડિયા, ૨૦૮ દલવાડી તથા કોળી અને૧૨૦૦ ઉપરાંત ઇતર જ્ઞાતિના ભક્તોનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ એક અભૂતપૂર્વ કાર્ય કર્યું છે.
૧૨૮ થી ૧૫૮ પ્રકરણમાં આંખ્યે દેખ્યા અહેવાલ સમાન પ્રગટ સંતો-ભક્તોની વિશેષતા સભર પરચા આલેખ્યા છે.
૧૫૯ થી ૧૬૪ પ્રકરણમાં ધામવર્ણન, અંતર્ધાનલીલા, વિયોગવર્ણન અને ગ્રંથમહિમાનું વર્ણન કર્યું છે.