એકવાર વડતાલ દેશના આચાર્ય શ્રીવિહારી લાલજી મહારાજ વિચરણ કરતાં કરતાં કારિયાણી પધાર્યા હતા. ત્યારે પ્રેમાનંદ સ્વામીના શિષ્ય કૃષ્ણસેવાદાસજી સ્વામી સાથે હતા. તેમણે પ્રભુપ્રસાદીભૂત સ્થળોની વાત કરતાં કહ્યું, અહીંથી સમઢિયાળા જતા રસ્તામાં ધર્મકુળ મિલનનું સ્થળ આવે છે. ”
પછી શ્રીવિહારીલાલજી મહારાજ બધાને સાથે લઈ આ સ્થળે દર્શને પધાર્યાં અને દર્શન કરી ખૂબ જ આનંદિત થયા. અને સ્વામીને પૂછ્યું, શ્રીહરિએ અહીં શું ચસ્ત્રિ કર્યું હતું ? ” એટલે તેમણે આ સ્થાન બતાવીને શ્રીહરિ અને ધર્મકુળના ખિલનની સમગ્ર લીલા કહી જળાવી અને ૧૭૬માં અદ્ભુત રીતે લખાઈ છે.
આ પ્રસંગ શ્રીહરિચરિત્રામૃતસાગર ગ્રંથના પૂર-૨૬, તરંગ-૪૮માં વિસ્તાર પૂર્વક આલેખ્યો છે. વળી, ઓછાવત્તા પ્રમાણમાં શ્રીભૂમાનંદ સ્વામી કૃત શ્રીહરિલીલામૃત, શ્રીપુરુષોત્તમલીલાતેમજ શ્રીસ્વામિનારાયણ વિચરણ લીલામૃત- ઉત્તરાર્ધ વગેરે ગ્રંથોમાં પણ આનું વર્ણન કરવામાં આવ્યું છે. આ તમામ ગ્રંથોના સંદર્ભના આધારે આ પ્રસાદીભૂત સ્થળનો ઇતિહાસ જોઈએ.
શ્રીજીમહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા ત્યારે સમાચાર મળ્યા કે આપના બંને ભાઈઓનો થોડો પરિવાર આપને મળવ બામણગામ થઈને બોચાસણ ગામ સુધી આવ્યો છે. તેમાં રામજીભાઈનાં પત્ની સુવાસિનીબાઈ તથા મોટા પુત્ર નંદરામજી તેમજ ઇચ્છારામભાઈનાં પત્ની વરિયાળીબાઈ તથા મોટા પુત્ર ગોપાલજી, સીતારામ અને બદરિનાથ છે. તેના મામા સુફળ નામે છે. શ્રીહરિના મામા વશરામ પુત્ર મંછારામ સાથે છે અને એક તેના સંબંધી પતાસીબાઈ છે. તે સાંભળી શ્રીહરિ અશ્વ ઉપર બેસીને તેઓ આવતાં હતાં તે માર્ગે સન્મુખ ચાલ્યા અને કારિયાણી ગામ આવ્યા.
પછી શ્રીહરિ સંતો-હરિભક્તો સાથે કારિયાણી ગામથી અયોધ્યાવાસીની સન્મુખ ચાલ્યા.
સમઢિયાળા બાજુ એક કોશ સુધી દૂર જતાં બે ગામની વચ્ચે એક ધાર આવી. આ ધાર પાસે તે સર્વે ધર્મકુળ સામું મળ્યું. પછી અયોધ્યાવાસી ત્યાં શ્રીહરિને અતિશય ભાવથી મળ્યા. તેમની સાથે રહેલ નિર્ગુણાનંદ સ્વામી તથા પરમચૈતન્યાનંદ સ્વામીને શ્રીહરિ ભેટ્યા.
આ સમયે સુવાસિની અને વરિયાળી બાઈ આદિ બાઈઓ કૃપાળુ શ્રીહરિનો વિયોગ સંભારી છેટે ઊભાં રહીને રોવા લાગ્યાં. ત્યારે મહારાજ કહે, "હે બ્રહ્મચારી! બાઈઓને ના પાડો જ, આપણા દેશની રીતિ બીજી છે અને આ દેશની રીતિ બીજી છે. અને આ દેશમાં તો મનુષ્ય મરે ત્યારે ત્યારે રોવે ને તમારા દેશમાં તો ગામથી આવે ત્યારે રોવે છે.
પછી બ્રહ્મચારીએ જઈને ના પાડી, ત્યારે રોવું મૂકીને મહારાજને પગે લાગ્યાં. પછી પ્રભુએ કહ્યું કે, “હે સંતો- ભક્તો ! જેના અંતરમાં અમારાં માતા- ભક્તિમાતાનાં દર્શન કરવાનો ભાવ હોય તે આ સુવાસિનીબાઇનાં દર્શન કરી લેજો.
હે ભક્તો! તેમણે આમારી બરદાસ કરીને અમને ખૂબ લાડ લડાવ્યા છે. આ એમના મહા ઉપકારને હું કોઈ પ્રકારે ભૂલી શકું એમ નથી. ”
શ્રીહરિની આવી વાતો સાંભળી સૌ હરિજનોએ ખૂબ પ્રેમ લાવીને અયોધ્યાવાસીનાં દર્શન કર્યાં તેમજ ઓવારણાં લઈને ભેટ મૂકી.
આ પ્રસંગે કારિયાણી ગામના રાઘવભાઈ, ખોડાભાઈ અને કાનાભાઈ આદિક સૌ હરિભક્તો પણ ત્યાં સન્મુખ આવ્યા હતા. તેમણે પ્રભુના કહેવાથી સૌ અયોધ્યાવાસીને ખૂબ હરખથી ગાડામાં બેસાડ્યા. પછી શ્રીહરિ સૌને ભેળા લઈ તેમની સાથે વાતો કરતા થકા કારિયાણી ગામમાં આવ્યા.
આવી રીતની પ્રસાદીભૂત ધારના ઇતિહાસ અંગેની સુંદર વાતો કૃષ્ણસેવાદાસજી સ્વામીના મુખથી સાંભળવાથી આચાર્ય શ્રીવિહારીલાલજી મહારાજ મહાસુખ પામ્યા. પછી...
નમ્યા ભૂમિને લાલવિહારી, નમ્યાં સંત તથા નરનારી; લીલા શ્રીહરિની મન લાવી, ત્યાંની રજ લઈ શિશ ચડાવી.
આમ, આ સ્થળે શ્રીહરિનું ધર્મકુળ સાથે મિલન થયું હોવાથી આ સ્થાન સાંપ્રદાયિક દૃષ્ટિએ ખૂબ ઐતિહાસિક અને મહાપ્રસાદીભૂત છે. ઉપરોકત દિવ્ય પ્રસંગની સ્મૃતિરૂપે ગઢપુરપતિ શ્રીગોપીનાથજી મહારાજના તાબાના શ્રીસ્વામિનારાયણ મંદિર કારિયાણીની છત્રછાયામાં આવેલ આ પ્રસાદી સ્થળ વર્ષોથી એક ઓટા સ્વરૂપે હતું. તેને પ. પૂ. સદ્ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી(કુંડળધામ)ની પ્રેરણાથી શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામ દ્વારા આરસપહાણમાં સુશોભિત કરી નયનરમ્ય સ્મૃતિછત્રીનું સુંદર સ્વરૂપ આપવામાં આવ્યું છે.
આ પ્રસાદી સ્થાનનાં, મહિમા સાથે કાળ; ભાવે દર્શન કરીએ તો, છાપ બળે નિદાન.
તા.૧૯/૦૭/૨૦૨૪, બુધવાર સં.૨૦૮૦, વાઢ સુદ-૧૧ (દેવશયની એકાદશી)